Posted by: bansinaad | Sunday, October 4, 2009

‘ગોપીગીત’ – સુરેશ દલાલ

આજે મને  યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પુસ્તકાલયમાંથી સુરેશ દલાલ લિખિત સુંદર પુસ્તક ‘ગોપીગીત’ હાથમાં આવી ગયું.  એ વાંચતા જ વાંસળી વગાડતો કાનુડો યાદ આવી ગયો. પ્રસ્તુત છે એમાંથી મનગમતા બે અંશો:

“દિવસ ઢળે છે. સાંજ પડે છે. વનમાંથી તમે પાછા  ફરો છો ઘરે. હું તમને જોયા જ કરું છું. તમને મોહ્યા કરું છું.
તમારો ચહેરો. તમારા ઘૂંઘરિયાળા  કેશ. અને તમારો ચહેરો પણ કેવો ! ગાયોની ખરીઓમાંથી ઊડેલી ધૂળને
કારણે રજથી મલિન. તમે તો અમારા પ્રિયતમવીર. તમારું સૌન્દર્ય આવું કે એને જોઇને અમારા હૃદયમાં
તમને મળવાની સતત ઝંખના જ જગ્યા કરે. કામ પણ તમે જ ઉત્પન્ન કરો અને તમે જ ઉત્પન્ન કરો પ્રેમ.”

પૃ. ૮૨,  ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ,  સુરેશ દલાલ.

“હે પ્રિયતમ! તમારો દિવસનો સમય એટલે વનમાં વિહાર કરવાનો સમય. તમે વનમાં હોય એટલે દેખાવ નહીં.
દર્શન પણ અદર્શન. તમારા વિનાની પ્રત્યેક ક્ષણ એટલે કે એક યુગ. સાંજને સમયે તમે પાછા વાળો
વળો. તમારા ઘૂંઘરિયાળા  કેશ  તમારા મુખ પર છવાયેલા હોય. તમારું દર્શન અમને મોહ પમાડનાર. આ
વિધાતા, આ બ્રહ્મા એ પણ ભારી જડ છે. અમારે તમને ધારી ધારીને જોવા છે. અને આ  પાંપણો
પલક્યા કરે છે.  એની પલકને કારણે તમારા દર્શનમાં પણ અમને મુશ્કેલી પડે છે.”

પૃ. ૧૦૦, ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ, સુરેશ દલાલ.

વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?

સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો  ઈશ્વરીય ભાવ

અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે.  .

પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?

જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ  જયદેવ’ માંથી: (પૃ: ૪૪)

‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’

થોડીક મારી વિચાર-ધારા

રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાનાની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો  એની જ માયા છે અને એ માયામાં મને ખોવાડીને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..


Responses

  1. ગોપીગીત એક વાર ભાગવત કથાકાર શ્રી રમેશ ભાઇ ઓઝાની કથામાં ટી.વી. ઉપર સંગીત સાથે સાંભળેલું ખુબ જ મધુર અને ભાવ-જગતમાં વહાવી દે તેવું હતું.-તમારો બ્લોગ માહિતી સભર હોય છે.


Leave a response

Your response:

Categories