રાધાને પૂછો
પ્રીત શું કહેવાય, રાધાને પૂછો.
દિલ કેમ દેવાય, રાધાને પૂછો.
ધીરા સમીરે યમુનાને તીરે
પ્રણય કેમ ઝીલાય, રાધાને પૂછો.
મહા રાસ-આનંદ અબ્ધિમાં ડૂબી.
જવું કેમ ખોવાઈ, રાધાને પૂછો.
કાલિંદી કાંઠે કદંબોની કુંજે,
હ્રદય કેમ ભૂલાય, રાધાને પૂછો.
પ્રભુ શ્યામ સુંદર તણા એ અધરનું,
મધુ કેમ પીવાય, રાધાને પૂછો.
ગોકુલ તજી જાય મથુરા મુરારિ,
કેવી એ વિદાય, રાધાને પૂછો.
ભમે બાવરી શ્યામની બંસરી લઇ.
વિરહ કેમ સહેવાય, રાધાને પૂછો.
હ્રદયેશ કેરું હ્રદય જીતનારી,
વ્રુષભાન દુલારી ! કલા તારી ન્યારી,
જીવન કેમ જીવાય, રાધાને પૂછો.
અસ્તિત્વનું અમ્રુત પૂર્ણ અર્પી
સર્વસ્વ તે સ્નેહ કાજે સમર્પી
જવુ્ કેમ લોપાઇ, રાધાને પૂછો.
સાભાર: નાથાલાલ દવે
ચાંદની તે રાધા રે, પ્રુ. ૨૭