મુસાફિર પાલનપુરી
કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં એક્ધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઈની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું
નવલ દવે
જોઈ લ્યો કેવો ગજબ જંગ થઈ ગયો
હું જ મારી જાતથી દંગ થઈ ગયો
લઈ અરીસો હાથમાં ને જરા જુઓ
હું તમારા રૂપનો રંગ થઈ ગયો
રમેશ પટેલ
હસ્તરેખા સ્પષ્ટ બનતી જાય છે
આ ક્ષણો પણ સ્તબ્ધ બનતી જાય છે
હું શ્વસું છું શબ્દને આ ખંડમાં
ને હવા નિ:શબ્દ બનતી જાય છે
પ્રવીણ સોલંકી
હું તારા પ્રેમને કોઈ ગજથી માપી ન શક્યો
તેં મને દુ:ખ દીધાં તોયે સંતાપી ના શક્યો
હે ખુદા! આપણે મગરૂર એટલાં હતા કે
હું કંઈ માંગી ન શક્યો, તું કંઈ આપી ન શક્યો
ભગવતીકુમાર શર્મા
રેત છું પણ શીશીમાં ખરતો નથી
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી
ગની દહીંવાલા
ચાહું છું કોઈમાં વિશ્વાસ મુકી દઉં આજે
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે
Categories:
