સમી સાંજના ટહુકા’ - શકીલ કાદરીની એક ગઝલ
જ્યારે અમારા મૌનની ભાષા કળી જશો,
ત્યારે બરફની જેમ તમે ઓગળી જશો.
શ્વાસોમાં મારા વાસ કરી રહેશો ક્યાં સુધી,
ઉચ્છવાસ થઈને ક્ષણમાં પવનમાં ભળી જશો.
શીતળતામાં છુપાયેલો અગ્નિ ય હોય છે,
સમજ્યા વિના અડશો તો નાહક બળી જશો.
શબ્દો મહીં પ્રવેશો, તપાસો, પછી જુઓ,
અર્થોની આરપાર સ્વયં નીકળી જશો.
ચાલ્યો ગયો ‘શકીલ’ કહીને બસ આટલું,
આથી વધુ કહીશ તો સૌ ખળભળી જશો.
પુસ્તક: ‘સમી સાંજના ટહુકા’, પૃ. ૩૬
સંપાદકો: ડો. ગોપાલ શાસ્ત્રી, ડો. પ્રદીપ પંડ્યા, અને ડો. વિરંચી ત્રિવેદી
Posted in વીણેલાં મોતી
