Posted by: bansinaad | Sunday, February 10, 2008
લાયબ્રેરીના અનુભવો – પ્રેરણાબિંદુ
થોડાં વર્ષો પહેલાં થયેલો આ અનુભવ મારાં મનને ખૂબ સ્પર્શી ગયો હતો. બે વિદ્યાર્થીઓ મને મળવા મારી ઓફિસે આવ્યાં હતાં. વાત કરતાં જાણવાં મળ્યું કે એમને નાણાકીય સહાયની બહુ જ જરૂર હતી. એમને લાયક કેમ્પસ પર નાના કામો શોધવામાં મદદ કરી યથાશક્ય યોગદાન આપવું એમ મેં નક્કી કર્યું.એમણે કોઈને મદદરૂપ પણ થવાય અને સાથે સાથે ઘરખર્ચના પૈસા પણ મળે એવાં કોઈ કામ કરવાની ઈચ્છા બતાવી. શોધતાં શોધતાં કેમ્પસની પાર્ટ ટાઈમ ઓફિસનો એક સમાચારપત્ર હાથમાં આવી ગયો. જાણવા મળ્યું કે એક અંધ વિદ્યાર્થિને મદદની ખૂબ જરૂર હતી. વર્ગમાં ભણાવવામાં આવતાં પાઠ્ય-પુસ્તકોમાંથી દર અઠવાડિયે એક પ્રકરણ ટેપ કરાવી એ ટેપ એ અંધ વિદ્યાર્થીને પંહોચતી કરવી અને સાથે સાથે વર્ગમાં જઈ લેક્ચર પણ ટેપ કરી એ વિદ્યાર્થિને આપી જેટલી મદદ થઈ શકે એ કરવાનું મુખ્ય કામ હતું. હોમવર્કંમાં મદદ કરવાની પણ માત્ર આડકતરી સૂચનાનો સહારો લઈને બધું કામ અંધ વિદ્યાર્થીએ જાતે જ કરવું એવી શરત હતી. અગત્યની વાત તો એ વિદ્યાર્થિને સ્વ-નિર્ભર બનાવવાનો હતો. બંને વિદ્યાર્થિને આ કામની વિગત ખૂબ ગમી ગઈ. મૌખિક પરીક્ષામાં બંને પાસ થઈ ગયાં અને આ પાર્ટ-ટાઈમ નોકરી એમને મળી ગઈ. બંનેએ ખૂબ સારી રીતે કામ પાર પાડ્યું. થોડાં દિવસ પર જ મને જાણવા મળ્યું કે પદવી મળ્યાં પછી આ બંને વિધાર્થીઓને અહીંની સારામાં સારી ગણાતી કમ્પનીઓમાં નોકરી મળી ગઈ છે. મને ખૂબ જ આનંદ થયો. અહીંના અમેરિકન વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી આગળ વધતાં જોયાં છે. જીવન પ્રત્યેનો એમનો અભિગમ મને પણ જીવનમાં કઈંક કરવાની પ્રેરણા આપી ગયો.