Posted by: bansinaad | Tuesday, January 29, 2008

લાયબ્રેરીના અનુભવો

લાયબ્રેરીના અનુભવો

જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ઉત્સાહ અને કંઈક કરવાની પ્રબળ ઈચ્છા માણસ પાસે કેટલું સોનેરી કામ કરાવી જાય છે તે મેં આજે પ્રત્યક્ષ અનુભવ્યું. ૪૦-૪૫ વર્ષની આસપાસ જણાતી યુવતી (લોરા) લાયબ્રેરીમાં ક્મ્પ્યુટરને લગતાં પ્રોજક્ટસ પર શું કામ ચાલી રહ્યું છે તેને વિષે માહીતિ મેળવવાં મારી ડેસ્ક પર આવી. ખાસ તો લાયબ્રેરી અને અહીંની શાળાઓએ સાથે મળીને કોઈ પ્રોજેક્ટસ શરૂ કર્યાં છે કે નહિ તેની જાણકારી પણ એને જોઈતી હતી. વાત કરતાં જાણવાં મળ્યું કે એ અહીંની શાળામાં તે સ્વયંસેવક તરીકે કામગીરી આપતી હતી અને એનો હેતુ દસમા ધોરણમાં ભણતાં ચાર-પાંચ વિધાર્થીઓને ભેગા કરી લાયબ્રેરીની ઈતિહાસ, વિજ્ઞાન, અને ગણિતની વેબ સાઈટોને સુધારવામાં એમની મદદ લેવાનો હતો. સાથે સાથે વિધાર્થીઓએ હળી મળીને સારૂ કામ કેવી રીતે થઈ શકે તેનો પ્રત્યક્ષ અનુભવ એમને કરાવવો હતો. એનો જ દસમાં ધોરણમાં ભણતો દીકરો (રોબર્ટ) એ વખતે રસાયણ-શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી મારી ડેસ્ક પર આવ્યો. કેમીકલ એલીમેન્ટ્સ વિષેની માહીતિ મારી પાસે થી મેળવ્યા બાદ એ એના મિત્રને મળવા દોડી ગયો. એ દરમ્યાન લોરાએ મને એના પ્રોજેક્ટમાંના રસ વિષે વધુ માહીતિ આપતાં જણાવ્યું કે એ પોતે કેન્સરની સારવાર હેઠળ છે અને રોબર્ટના પપ્પાને પણ કોલન કેન્સર છે તેવું નિદાન થોડાં વખત પર જ જાણવાં મળ્યું. આ બધું સાંભળીને રોબર્ટના ભણવા પર પણ અસર પડવા માંડી હતી. લોરાએ વિચાર્યું કે એવાં કોઈ પ્રોજેક્ટમાં રોબર્ટ ભાગ લે કે જેનાથી એનું મન વ્યસ્ત રહે અને આગળ સારૂં ભણી શકે. લોરાની વાત સાંભળીને મારો એમના પ્રત્યેનો ભાવ ખૂબ જ વધી ગયો. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં બીજાં ત્રણ-ચાર વિધાર્થિઓને ભેગાં કરી મારી સાથે આ પ્રોજેક્ટમાં આગળ વધવાની એક દરખાસ્ત અમારાં ડાયરેક્ટર સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.આવી પરિસ્થિતિમાં પણ જયાં સુધી થઈ શકે ત્યાં સુધી કાર્યરત રહીને વિપરિત સંજોગોમાંથી પસાર થઈ રહેલાં વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ લોરાનું જીવનધ્યેય પરિપૂર્ણ થાય એવી આશા સાથે મેં પણ આ પ્રોજેક્ટમાં મારાંથી બનતું બધું જ કરી છૂટવાનું નક્કી કર્યું.

Leave a response

Your response:

Categories