Posted by: bansinaad | Sunday, October 21, 2007

ઓઢાડું તને–

ઓઢાડું તને–

લે,આ મારી જાત ઓઢાડું તને.
સાહેબ! શી રીતે સંતાડુ તને?

તું ભલે દિલમાં રહે કે આંખમાં
કયાંય પણ નીચો નહીં પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું
મૌન ની મસ્તીથી રંજાડુ તને.

તું નહીં સમજી શકે તારી મહેક
લાવ કોઇ ફૂલ સુંઘાડું તને.

કોક દિ એકાંતમાં ખપ લાગશે
આવ મારી યાદ વળગાડું તને.

હૂબહૂ તારીજ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટ થી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.

ઘર સુધી તુ આવવાની જિદ ન કર
ઘર નથી,નહીંતર  હું ના પાડું તને!

‘ખલીલ’! આકાશને તાક્યા ન કર
ચાલ છત પર ચન્દ્ર દેખાડું તને!

—–ખલીલ ધનતેજવી

સુરેશભાઈના જ શબ્દોમાં:

“શાયરે એક બહુ અદ્બભુત પરિસ્થિતિ કલ્પી છે. બંને વચ્ચે માત્ર મૌનનો જ તહેવાર છે. વાણીનો વ્યવહાર નથી. અહીં જે મસ્તીની વાત છે એમાં કનડગત કરતાં જુદા જ પ્રકારનું તનોરંજન અને મનોરંજન છે. શબ્દ વિનાની મૌનની મસ્તી કેવી હોઈ શકે એનો ખ્યાલ આ ગઝલ વાંચતાં આવે છે. શેખાદમ આબુવાલાનો એક શેર છે, જે જરા જુદા સંદર્ભમાં જોવા જેવો છે.

મળે એકાંતતો બોલું, મિલનમાં જીભના ખોલું
મને મારા હ્રદયના ભાર પર આવી ગયું હસવું.”

મને પાગલનું પાગલપન આપો કોઈ, હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ, દિવ્ય-ભાસ્કર, ૨૮મી સપ્ટેમ્બર,  પૃ. ૧૫ (નોર્થ અમેરિકન આવૃત્તિ)

Leave a response

Your response:

Categories