Posted by: bansinaad | Thursday, September 6, 2007
મને શિશિર ના ગમે
નટવર ગાંધી લિખિત આ સોનેટ (ઈન્ડિયા, ઈન્ડિયા સોનેટસંગ્રહમાંથી)મને ખુબ ગમી ગયું.
મને શિશિર ના ગમે, નહિ નહિ જ હેમન્ત વા,
ગમે ન કદી અંગ અંગ થથરાવતી ઠંડી આ,
થીજે બરફથી બધું ભીતર બહાર, સંચાર ના,
ફરે ન ચકલું ભલું, જિગર મારું થંભી જતું.
અને ઘર બહાર જો નીકળું કામકાજે જવાં,
ચડાવું થરના થરો ગરમ કોટ જેકેટ કૈં,
લગાવું શિર ટોપી ઉપરથી ને નીચે બૂટ બે,
છતાંય થથરું, કહો શિશિર ઋતુ ગમે?
પરંતુ કહું કાનમાં, ગમતી કેમ ના ઠંડી આ,
મને નીરખવી ગમે નમણી નાર સૌ ગ્રીષ્મની,
ઉતારી ઉપવસ્ત્ર સૌ વસન અલ્પ, આછે સજી,
બજાર બગીચે ફરે, રમણી રમ્ય જોતો રહું,
વળી પરખતો રહું ધવલ શ્યામ ભામા તણાં
હતાં શિશિર ગુપ્ત તે સકળ અંગ સોહામણાં.
ઈન્ડિયા, ઈન્ડિયા સોનેટસંગ્રહ, (પૃ. ૧૦૭) માંથી સાભાર
નટવર ગાંધી વિષે વાંચો: પરિચય પર