ઉસ્તાદ શું કહો છો?
વાતાવરણ સરસ છે ઉસ્તાદ શું કહો છો?
કેવો ટપકતો રસ છે ઉસ્તાદ શું કહો છો?
છોતું પડ્યું છે ફળિયે કીડી વડે ચૂંસાતું;
એમાં હજીયે રસ છે ઉસ્તાદ શું કહો છો?
આંખોમાં આશ કેરાં ફૂલો લચી પડ્યાં છે;
એ સોળમું વરસ છે ઉસ્તાદ શું કહો છો?
અસ્તિત્વને અહીં મેં ખોડી દીધું છે એવું;
થોડું ન ટસથી મસ છે ઉસ્તાદ શું કહો છો?
મિલ્કત અમારી અહીંયા બે-ચાર ઝંખનાને;
સપનાંઓ પાંચ દસ છે ઉસ્તાદ શું કહો છો?
હું ચૂકવું છું એને એ ચૂકવે છે મુજને;
દેવું અરસપરસ છે ઉસ્તાદ શું કહો છો?
સાભાર: જિતુ પુરોહિત, ગઝલશતક, પૃ. ૨૮
સંપાદક: હર્ષદ ત્રિવેદી
Posted in કાવ્યકુંજ
