Posted by: bansinaad | Wednesday, June 13, 2007
બળવંત નાયક નું એક સુંદર પ્રણય કાવ્ય: કોઈ ગોરી…કોઈ સાંવરી
કોઈ ગોરી…કોઈ સાંવરી
એ હતી શ્યામલ સુંદરી
હસતી નાચતી, કૂદતી
ફૂલડાં જેમ સ્મિત વેરતી.
એનું સ્મિત ફૂલઝર બની પૂનમની રાતને અઝવાળતું
તો ક્યારેક એ રમણે ચઢેલ સાગર જેમ ઉન્મત બનતું,
છતાં એના સૌંદર્યમાંથી મીઠી મીઠી સૌરભ પ્રસરતી’તી
ઉત્સાહ અને ઉલ્લાસના મૂક સંદેશની
એ હતી ગોરી-ગૌરાંગના
ચંદ્રિકાનાં અમીએ સર્જિત એની કાયા
જાણે શિલ્પીએ કંડારેલી પથ્થરની કો દિવ્ય મૂર્તિ!
ચંદ્રમુખી ચંચલ મનધારિણી
છતાં સ્વતંત્ર વ્યક્તિતા.
એના સૌંદર્યમાંથી ઝરતી હતી વીજ ચમક
ઉન્માદ અને આવેગના ઉઘાડા આવાહનની
સાભાર: ગુજરાતી પ્રણયોર્મિકાવ્ય, પૃ. ૨૭૬, સંપાદકો: કવિ ડાહ્યાભાઈ પટેલ અને જેઠાલાલ ત્રિવેદી