મુક્તકો
જવાહર બક્ષી
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
મુસાફિર પાલનપુરી
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે
કિન્તુ ભળે જો લાગણી ત્યારે જ થાય છે
જ્યાં-ત્યાં કદીય હાથ ન લંબાવ ઓ હ્રદય
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે
દિલહર સંઘવી
દેવના દરબારમાં મુજને કશોયે રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોક્કસ નથી
તે દિવસથી સ્વર્ગ-પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ’ મળ્યું કે ત્યાં કોઈ માણસ નથી
બરકત વિરાણી ‘બેફામ’
મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
આસિમ રાંદેરી
એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું ઉપાસક, કારીએ કુરાન છું
કિન્તુ જો ઈમાનની પૂછો તો ‘આસિમ’ સાંભળો
હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું
સાભાર: અમર મુક્તકો, સંપાદન: કૈલાસ પંડિત
Posted in કાવ્યકુંજ, વીણેલાં મોતી
