ન્હાનાલાલ દલપતરામ કવિ
જોગીઓનું ગીત
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સમા ધન, ધન જોબન, ચળ સહુ,
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
હો અબધૂત ! નહીં વીજળી ચમકાર
હો અબધૂત ! નહીં વીજળી ચમકાર
અગમનિગમની યે પાર અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
દૂર થકી પણ દૂર,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે, તપે કે આથમતાં યે
એ ધન છે અવિનાશ:
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
-ન્હાનાલાલ
ન્હાનાલાલ કવિ વિષે વાંચો ગુજરાતી સારસ્વત પરિચય પર
Posted in કાવ્યકુંજ, સાહિત્યસરિતા
