Posted by: bansinaad | Saturday, May 26, 2007
શાનો મોહે?
શાનો મોહે?
લાભુબહેન મહેતાના દિલ્હી-સ્થિત લેખિકા પુત્રી વર્ષા દાસે ‘અંતરની વાત’ નિબંધમાં એક હ્રદયસ્પર્શી કાવ્ય ‘શાનો મોહે’ લખ્યું છે. વડોદરાની હોસ્પીટલમાં લાભુબેને જ્યારે છેલ્લો શ્વાસ લીધો ત્યારે વર્ષાબહેન એમની પાસે જ એકલા બેઠાં હતાં. તે વખતે એમણે અનુભવેલી લાગણીને એમનાં જ શબ્દોમાં વાંચીને આપણે પણ એ સંવેદના ને અનુભવવાનો પ્રયત્ન કરીએ:
‘મુંબઈથી આવેલાં સગાં-વહાલાં બાની તબિયતમાં સુધારો જોઈને પાછાં ગયાં. પણ દીવો ઓલવાતા પહેલાં તેની જ્યોત જેમ વધુ પ્રજ્વલિત થાય તેવું જ બાનું થયું. બીજે દિવસે પરોઢિયે પેલા મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં એમણે છેલ્લો શ્વાસ લીધો. તે વખતે હુંયે બાજુમાં બેઠી બેઠી મંત્રોચ્ચાર કરતી હતી. બાના હોઠ ફફડતા અટકી ગયા એટલે મેં નર્સને બોલાવી. એણે ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરે પોતાની રીતે બધું જોઈ – તપાસીને કહ્યું કે જીવન સમાપ્ત થયું. એ વખતે હું રડી નહોતી….હોસ્પીટલના કર્મચારીએ બૂમ પાડી – ‘લાભુબહેન મહેતા’, અને બાનો દેહ ‘મોર્ગ’માંથી બહાર લાવવામાં આવ્યો. એ દ્રશ્યે મારા મન પર એટલી ઊંડી અસર કરેલી કે મારે એને નીચેની પંક્તિઓમાં વ્યકત કરવી જ પડેલી.
શાનો મોહે?
વહેલી સવારે
વૃક્ષ પરથી ખરે
એક-એક-એક પારિજાત
જાણે ત્યજ્યાં
તમામ વળગણ!
બીજી સવારે ફરી
કેસરી દાંડીએ
મઘમઘતો મોહ!
ડાળે બેઠાં પંખી
વહેલી સવારે ઊડે
અનંત આકાશને કાપીને
ધરતીને માપીને
સાંજે પાછાં વળે
કોના મોહે?
નામ બોલાયું – ને
મડદાઘરમાંથી
મડદું બહાર લવાયું.
નામ અને શરીરનું
અગ્નિસ્નાન પૂર્વનું બસ,
આ છેલ્લું ઐક્ય!
સાભાર: ગુર્જરી ડાયજેસ્ટ, અપ્રિલ ૨૦૦૭, પૃ. ૧૪