……કાંટો નીકળ્યો
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોમાંથી કોઈ ચ્હેરો નીકળ્યો.
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો
આખરે જોયું તો તે સિક્કો ય ખોટો નીકળ્યો.
—-આદિલ મન્સૂરી
અને એમની જ એક બીજી રચના
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો કરું વાત અંધકાર વિષે.
ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડાં ફૂટ્યાં,
કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે.
સતત થતાં રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે.
બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.
હજીયે તાજા છે શબ્દોનાં સર્વ ઘા ‘આદિલ’
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિષે.
—-આદિલ મન્સૂરી
વાંચો: કવિ પરીચય અને ‘મળે ન મળે’ - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ
Categories:
