૧૬મી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી, કે જેના નામ પર રચાયેલુ શર્મિષ્ઠા તળાવ આજે પણ જોવાં મળે છે. શર્મિષ્ઠાને ઘરે બે દિકરીઓ નો જન્મ થયો. જેઓને તાના અને રીરી નામ અપાયાં. જાણે કે સ્વયં રાધાકૃષ્ણએ સાંદર્યમાં અપ્સરા સમી અને સંગીતનૃત્યમાં ગાંધર્વ સમી આ બે કન્યાઓ વરદાન રૂપે આપી. તાના-રીરીએ સંગીતની આકરી આરાધના કરીને રાગ-રાગિણીઓનો ભક્તિભાવથી સાક્ષાત્કાર કર્યો. બંને બહેનોએ ભૈરવ, વસંત, દીપક, અને મલ્હાર જેવા રાગોને આત્મસાત કર્યાં હતાં. તે સમયે અકબરનાં દરબારના નવ રત્નોમાંના એક સંગીતસમ્રાટ તાનસેનને અકબરે દીપક રાગ ગાવા માટે કહ્યું હોય એમ મનાય છે કે દીપક રાગ ગાવાથી દીવા પ્રગટે છે, પરંતુ સાથે સાથે આ રાગ ગાનારના શરીરમાં દાહ ઉપડે છે. તાનસેને બાદશાહની આજ્ઞાથી દીપક રાગ ગાયો, દીપક પ્રગટ્યા,પરંતુ તેના શરીરમાં અંગારા સળગાવ્યાં હોય એવી ઝાળ ઉઠી. તાનસેનના શરીરમાં લાગેલી આ અગનઝાળને શાંત કરવાનો એકમાત્ર ઉપાય એટલે મલ્હાર રાગ. આ રાગ ગાનાર ની શોધમાં નીકળેલો તાનસેન ફરતો ફરતો વડનગર આવી પંહોચ્યો અને શર્મિષ્ઠા તળાવને કિનારે મુકામ કર્યો.
સાભાર - તાના-રીરી સમાધિ (અમદાવાદ થી એક મિત્ર એ મોક્લેલા લેખ પર થી)
Posted in વીણેલાં મોતી, સાહિત્યસરિતા
