Posted by: bansinaad | Friday, March 2, 2007
અમેરિકા માં મારૂં વિદ્યાર્થી જીવન. ભાગ ૩.
રીસર્ચનું કામ પૂરજોશ માં ચાલતું હતું, સાથે સાથે લાયબ્રેરી માં જઈ ને કઈ જર્નલ માં મારા વિષય ને લગતાં પેપર બહાર પડ્યાં તે જાણવું પણ અત્યંત જરૂરી હતું. ત્યારે ઈંટરનેટ તો હતું નહિ, એટલે બધું જાતે જ શોધવાનું. જાડાં જાડાં એન્જિનિયરીંગ ઈંડેક્ષ ના થોથાં માં શોધવાનું. એમાંથી માત્ર થોડીક જાણકારી મળે. પછી કાર્ડ કેટાલોગ માં નીચે જઈ ને શોધવું પડતું કે એ જર્નલ લાયબ્રેરી માં છે કે નહિ. હોય તો પછી ફરી ત્રીજા માળે જઈ, શોધી, કોપી મશીન પર જઈ કોપી કરવી પડતી. પૈસા બચાવવાં એક પાના પર બે પાનાં ની કોપી કેવી રીતે થાય તેની તરકીબ પણ શોધતો તો કોઈ વાર ત્યા કામ કરતાં મિત્ર મારફત મફત માં થાય છે કે નહિ તેનો પણ પ્રયત્ન કરતો.
આ તો થઈ માત્ર એક પેપર ની વાત. એવી રીતે તો લગભગ ૬૦-૭૦ પેપરો શોધ્યાં હશે. પછી વાંચવાનું અને કઈ નવું મળે તો લેબ માં જઈ એ વસ્તુ ને પણ અજમાવી જોવાની. ઘરે જઈ ને પાછી જમવાની માથાકૂટ તો ખરી જ. એક ગેસ પર દાળ કે શાક અને બીજા ગેસ પર ભાત; ટેબલ પર બેસી ને મારૂં વાંચન કે બીજી કોઈ પ્રવ્રુત્તિ ચાલતી. સાથે દહીં અને અથાણું લઈ આનંદ થી જમતો. આખાં દિવસની મહેનત પછી આ સાદું ખાવાનું પણ ખુબ ગમતું.
હવે તો રીસર્ચનુ કામ ઈંટરનેટ ને લીધે સહેલું થયું છે પણ ઘણાં વિદ્યાર્થીઓ જાણતા નથી કે એન્જિનિયરીંગ ઈંડેક્ષ જેવાં લગભગ ૧૦૦ જેટલા ઓનલાઈન રીસોર્સીસ લાયબ્રેરી સબ્સ્ક્રાઈબ કરે છે, અને એ ગુગલ કે બીજાં સર્ચ એંજીન પર એ બધાં ની સુવિધા ઉપલબ્ધ નથી. એન્જિનિયરીંગ ઈંડેક્ષ ની કિંમત લગભગ વરસના $૨૫,૦૦૦ જેટલી થાય છે. માત્ર ગુગલ પર શોધવાં ને લીધે આજ ના વિદ્યાર્થીઓ ઘણી સાયન્ટીફીક ઈન્ફોર્મેશન એમની જાણ બહાર ગુમાવે છે.