કલાપીનાં સંસ્મરણો - ભાનુશંકર ઓઝા
કલાપી: સ્મરણમૂર્તિ માંથી, પૃ: ૧૦૪
સંપાદક: જયંત કોઠારી
ભાનુશંકર ઓઝાના જ શબ્દોમાં:
એક દિવસ શિવરાત્રીની સુંદર સવારે, એક જંગલમા શિવાલય હતું ત્યાં, કલાપી ની સાથે જવાનું સૌભાગ્ય મને મળ્યું. તે વખતે મહાદેવ ના લિંગ સામે ઊભા રહીને કલાપીજી દૈવી પ્રાર્થના કરી રહ્યાં હતાં. વળી એ મંદિરમાં કેટલાક બીજા લોકો પણ આવ્યાં હતાં. તે બધાંની સાથે કલાપી એવાં તો ભળી ગયાં હતાં કે તે માત્ર પોતાના સુસ્વરથી જ જુદાં પડતાં હતાં, બાકીતો સર્વે લોકોની અંદર પોતે પણ પોતાનું રાજાપણું તદ્દન ભૂલી જઈને એક સાધારણ માણસ હોય તેવાં લાગતાં હતાં. તે વખતે એવી તો અલૌકિકતા છવાઈ ગઈ હતી કે જાણે બધાં કલાપીના સુસ્વરરૂપી સાગરમાં તરબોળ થઈ ગયાં હતાં. અને તે ઘેન એવું હતું કે તેમાં હવે બીજા કોઈ બનાવટી ઘેન - નશાની જરૂર જણાતી નહોતી, તેમ છતાંયે તે મંદિરના બાવાએ ભાંગ આણી અને તે પીવાની કલાપીને વિનંતિ કરી. આ ભાંગ જોતાં જ કલાપીની જે દૈવી સ્થિતિ હતી તે તદ્દન બદલાઈ ગઈ. તેમણે કહ્યું કે ‘ એક ઘેન મા બીજું ઘેન ચઢે છે ત્યારે બંને નકામાં થઈ જાય છે.” કલાપીનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે દૈવી આંનદમાં નશાની જરૂર હોય જ નહિ. તે તો નુક્સાનજકારક જ નીવડે. માટે જ્યારે આપણે દૈવી સંપત્તિનો આનંદ લેતાં હોઈએ ત્યારે કંઈ પણ જાતનો નશો હોવો જ જોઈએ નહિ. એટલું જ નહિ, પરંતુ ખાનપાનની પણ જરૂર જણાવી ન જોઈએ.
કલાપી વિષે નો પરિચય વાંચોઃ કવિ પરિચય માં
